૯-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-જીગીષા પટેલ Posted on August 17, 2018 by Pragnaji મા નો કર્તવ્ય સંઘર્ષ “ મારે આજે બોર્ડ મિટીંગ છે ,નેહા તું આજે વિહાન અને ઈશાન ને સ્કૂલે થી લાવીને માર્શલ આર્ટના કલાસમાં લઈ જજે” નિરવે ટાઇની નોટ સરખી કરતાં કરતાં નેહા ને કીધું.આ સાંભળી નેહા જરા અકળાઈને બોલી” જ્યારથી મોમ-ડેડ ઇન્ડિયા ગયા છે ત્યારથી છોકરાઓનો બધો બોજો તેં મારી પર નાંખી દીધો છે ,આ નહીં ચાલે…… મારે આવતી કાલે સવારે મારી નવી પ્રોડક્ટ નું પ્રેઝન્ટેશન છે,તેની તૈયારી કરવાની છે.આ ડિરેક્ટર ની પોસ્ટ પર મારે એટલો કામનો બોજો હોય એમાં રોજ ઓફીસથી વહેલા નિકળી જવાનું મને જરાપણ ફાવતું નથી.તું તો મને કહેતો હતો કે એકવાર તારી કંપની વેચાઈ જાય પછી બધું ફોકસ મારી કેરીયર આગળ વધારવા પર કરીશું તેનું શું? નિરવે કીધું “નેહા સમજ ,મારા પાર્ટનર પરાગ નું બધું કૌભાંડ પકડાઈ ગયું છે! અમે કંપની વેચી ત્યારે કરાર થયાં હતા કે કંપની વેચી એ પછી બે વર્ષ સુધી અમારે તે કંપની સાથે રહી તેઓને બધું કામ સેટ કરી આપવું પડે.અને આ પરાગ ને તો હંમેશની જેમ જુઠ્ઠું બોલવું ને ખોટું કરવું એજ કામ છે .અમારી જૂની કંપનીના માણસો લઈને જ એણે પોતાની નવી કંપની છ મહિનામાં ચાલુ કરી દીધી છે.જેણે અમારી કંપની લીધી છે તેના વકીલોએ કેટલા કેસ તેની પર ઠોકી દીધા છે. હું નિર્દોષ છું ,બધા જાણે છે ,પણ મારે પ્રુવ તો કરવું પડે ને ! વગર કારણે મારી ઊંઘ ઉડાડી દીધી છે.એ સારો માણસ હોત તો ધમધમાટ ચાલતી કંપની તાત્કાલિક વેચી જ ન હેાત ને! “ ચાલ ડાર્લીંગ જાઉં કરીને નેહા ને ભેટી એક હળવું ચુંબન કપાળે કરી બેગ લઈને નિરવ ફટાફટ ઘરમાંથી નિકળી ગયો. નેહા એ આઠ વર્ષના વિહાન ને પાંચ વર્ષ ના ઈશાન ને ટેબલ પર દૂધ ને પેન કેક આપ્યા ને કીધું “ હું તૈયાર થઈને આવું ત્યારે મારે દૂધ ને બ્રેકફાસ્ટ પતેલા જોઈએ ,ઓકે.” આમ કહી નેહા રૂમમાં તૈયાર થવા ગઈ અને બંને છોકરાંઓ ટેબલ પરથી ઊઠીને બોલ રમવા લાગ્યા.નેહા હજુ તો વાળ ઓળતી હતી ને રસોડામાંથી કાચ ફૂટવાનો અવાજ આવ્યો. નેહા દોડતી રસોડામાં આવી તો વિહાન ના બોલ ના ફટકા થી ટેબલ પર પડેલ દૂધનો ગ્લાસ તૂટી ને આખા રસોડામાં દૂધ……દૂધ ને કાચના ટુકડા વેરાયા હતાં. નેહાને બંને દીકરાઓને જુદી જુદી સ્કૂલમાં ઉતારવાનાં,ફરીથી દૂધ બનાવવાનું,ઑફિસના કપડાં પહેરી રસોડું સાફ કરવાનું અને ટ્રાફીકમાં એક કલાક દૂર પોતાની ઓફીસ પહોંચવાનું. નેહા એકલી એકલી બબડતી હતી “કોઈરીતે પહોંચી વળાતું જ નથી.આ મારા તોફાની છોકરાઓને કેવીરીતે હેન્ડલ કરવા !કંઈ સમજાતું જ નથી”. નેહા એ ઝડપથી રસોડું સાફ કર્યું, છોકરાઓને દૂધ પીડવાવી ને પેનકેક પેપર બાઉલમાં આપી ગાડીમાં બેસાડ્યા. છોકરાંઓને કીધું “બેટા મારો કોલ ચાલુ થાય છે તમે ચુપચાપ પેનકેક ખાઈ લો”.નેહા નો કોલ ચાલુ થાય છે ને બાળકો ચૂપચાપ નાસ્તો કરે છે પણ હાઈવે પર આગળ ની ગાડી બ્રેક મારે છે તે સાથે નેહા પણબ્રેક મારે છે ને જોરથી બ્રેક વાગતા નાના ઈશુ ની પેનકેક નીચે પડી જાય છે ને તે જોર જોર થી રડવા માંડે છે. નેહા ને અગત્ય નો કોન્ફરન્સ કોલ ચાલતો હોવાથી ફોન મ્યુટ પર કરી ,ઈશુ ને પાછળ ફરી સમજાવવા ને ચૂપ રાખવા પ્રયત્ન કરે છે , ને ત્યાંતો ૮૦ માઈલની સ્પીડ પર જતી તેની ગાડી લેઈન બહાર જઈને જોરથી બાજુની ગાડી સાથે ભટકાય છે…………. ગાડી આગળની બાજુ થી અથડાઈ હોવાથી છોકરાઓ બચી ગયા હતા..અમેરિકાની બેલ્ટ બાંધવાની ફરજિયાત સીસ્ટમ ને લીધે બાળકો બચી ગયાં પણ નેહા બેભાન થઈ ગઈ હતી.સવાર નો સમય હતો હાઈવે પર ટ્રાફીક જામ થઈ ગયો.તરતજ પોલીસ ને એમબ્યુલન્સ આવી ગઈ.નેહા ને હોસ્પિટલ લઈ ગયા .બાળકો ગભરાઈ ગયા હતા ને જોર થી રડતા હતા અને તેમની મમ્મી બોલતી નહતી. પોલીસે તેમને સમજાવીને શાંત રાખ્યા, ને એકસિડન્ટના સમાચાર બાળકોના પિતા નિરવ ને આપી તેને સીધો હોસ્પિટલ બોલાવ્યો. પોલીસે બંને બાળકો બચી ગયા છે તે પણ નિરવ ને જણાવ્યું .નિરવ ના આવ્યા પહેલા નેહા ની સારવાર ચાલુ થઈ ગઈ હતી.તેના ડાબા હાથ ને પગમાં ફેકચર થયું હતું ,ને માથામાં બેઠા મારથી તે બેભાન થઈ ગઈ હતી. નિરવે આવીને બાળકોને છાતી સરસા ચાંપ્યા.ડેડીને જોઈને બાળકો પાછા રડવા લાગ્યા. નેહા ની ઈમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી હતી.થોડીવાર પછી નેહાને સ્ટ્રેચરમાં રુમમાં લાવ્યા ત્યારે તે ભાનમાં આવી ગઈ હતી .બાળકો માને નાકમાં ને હાથમાં ટયૂબો ને ઈંજેક્શન સાથે ભરાવેલ બોટલ ને હાથે -પગે પાટા જોઈ થોડા ગભરાઈ ગયા.નેહાએ બાળકોને નજીક બોલાવી માથે હાથ ફેરવ્યો.બાળકોને સાજા નરવા જોઈ તેનું પોતાનું બધું દુ:ખ ભૂલી ગઈ.આ બધું કરતા લગભગ સાડાબાર વાગી ગયા હતા.પોતાની આવી હાલતમાં પણ ઘડિયાળ સામું જોઈ નિરવ ને સૌથી પહેલા બાળકોનો લંચ ટાઇમ થઈ ગયો હતો ,તેથી લંચ કરાવવા કીધું.નેહા ને માથે હાથ ફેરવી તેની સાથે થોડી વાતચીત કરી ,તેને આરામ કરવાનું કહી ,બંને બાળકોને લઈને નિરવ ઘેર ગયો. નિરવ ના માતા-પિતા તેમની પ્રોપર્ટી અને પૈસા ના કામ અંગે ઇન્ડિયા ગયા હતા.નિરવના મમ્મી હીનાબેન તો નિરવના પપ્પા દિપકભાઈને રોજ સવાર પડેને કહે “મારો વિહાન ને ઈશુ તો સવારના સાત વાગે નીકળેલા સાંજે સાત વાગે પાછા આવે છે .મારો નાનકો ઈશુ તો બહુજ થાકી જાયછે.કાલે પણ ફોન પર ‘દાદી તું જલદી પાછી ‘આવ કહી ને રડતો હતો.એમાં પણ જ્યારથી રીટા ની દીકરી ના ડિવોર્સના ખબર મળ્યા છે ત્યારથી તો મને એમ થાય છેકે આપણે અહીં છ મહિના રહેવાની જરુર નથી.એ લોકો ત્યાં હાડહાડ થાય ને આપણે અહીં ગામગપાટા મારીએ તે બરોબર નહીં” હીનાબેન ની વાત સાંભળી દિપકભાઈ બોલ્યા”તારા મગજનું પણ કંઈ ઠેકાણું નથી,અમેરિકામાં રોજ બૂમાબૂમ કરતી હતી કે આ વિહાન ને ઈશાન મારું સાંભળતા નથી,બંને આખો દિવસ ઝઘડે છે,તોફાન કરે છે,રમકડાંના પથારા આખા ઘરમાં કરે છે જમવાના સમયે પણ રમ્યા જ કરે છે ને કોળિયા ભરાવું તો પણ મોમાં જ ભરી રાખે છે.આપણા છોકરાઓને તો ધોલ થપાટ પણ કરતાં ,અહીં તો એ પણ ન કરાય.હવે આ કકળાટ મારા થી સહન નથી થતો ,મારે તો હવે ઇન્ડિયા જ જતું રહેવું છે ને હજુ માંડ પંદર દિવસ અહીં આવે થયા છે ને હવે પાછા જવું છે દીકરાઓ પાસે .” હીના બેન કહે “તમને ખબર છે આ રીટા ની દીકરી ને જમાઈ બંને ડોકટર ,પ્રેમ લગ્ન કરેલ ને એક દીકરી પણ છે પણ દીકરી માટે બેમાંથી એકેયને ટાઈમ નથી આખો દિવસ ડેકેર ને નેની પાસેજ રહે છે ને માબાપ ઘરમાં હોય ત્યારે પણ ઝઘડતા જ હોય ‘તું દીકરી ને રાખ ને તું દીકરી ને રાખ ‘ છેવટે છૂટા પડ્યા.બિચારી દીકરીનો શું દોષ? આપણે દાદા-દાદી બાળકોને સ્કૂલે થી લઈ આવીએ ,મૂકી આવીએ ઘરમાં સાથે રાખી સારા સંસ્કાર આપીએ તો નેહા -નિરવ પણ શાંતિથી તેમના કામમાં દયાન આપી શકે ને બાળકોનું બાળપણ સુધરે,ચાલો ને આવતા અઠવાડિયાની ટિકિટ કરાવી લો .” અહીં નેહા હોસ્પિટલ માં સાવ એકલી દર્દથી કણસતી હતી.શનિ-રવિ પાર્ટી સાથે કરતા મિત્રો ને પણ કોઈને ચાલુ દિવસે તેની સાથે બેસવાનો ટાઈમ નથી.નિરવ છોકરાઓ પાસે છે .નેહાને તેના મમ્મી-પપ્પા,ભાઈબહેન ,કાકા-કાકી બધાં ની યાદ આવી ગઈ.તે ઇન્ડિયા માં હોત તો મા તેને ગરમ સૂપ પીવડાવતી હોત,તેની દીદી તેના પગ પર હાથ ફેરવતી હોત ને દાદી ને ડેડી તો એક મિનિટપણ તેનાથી દૂર ન ગયા હોત!!!અહીં રુમમાં તે એકલી છે , હા,બેલ મારે તો નર્સ અચૂક હાજર હોય , પણ સંબંધોની લાગણી ને હૂંફ ક્યાંથી લાવવી? .તેનું મન વિચાર ના વંટોળે ચડ્યું છે.મારા હૈયાના હાર મારા દીકરા બચી ગયા,મને પણ તરતજ ટ્રીટમેન્ટ મળી ગઈ મને કંઈ થયું હોત તો મારા દીકરા ઓ મા વગર ના થઈ ગયા હોત……….મારે હવે જોબ જ નથી કરવી.નથી જોઈતી મારે ડિરેક્ટર ની પોઝીશન ને નથી જોઈતા મારે પૈસા.મારે જોઈએ છે મારા હ્રદયના ટુકડા જેવા મારા દીકરાઓ.નિરવ છોકરાઓને મૂકીને નેહા પાસે બહુ બેસી શકતો નથી.આમ ને આમ ચાર પાંચ દિવસ નીકળી જાયછે .નિરવે તેના પપ્પા -મમ્મી ને ફોન કરીને નેહા ના અકસ્માત ની વાત કરી ,એલોકો બે દિવસમાં જ ટિકિટ કરાવી પાછા આવી ગયાં. હીના બેને તો એરપોર્ટથી સીધા જ હોસ્પિટલ જવાની જીદ કરી. તેમને તો દીકરી જેવી વહાલી નેહાની ચિંતામાં ચાર દિવસથી ખાવાનું પણ ગળે ઊતરતું નહોતુ.હોસ્પિટલ પહોંચી ને નેહાને જોઈને તે ઢીલા થઈ ગયાં ને નેહા તો મમ્મી ને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી ને કહેવા લાગી “મમ્મી હું બચી ગઈ નહી તો મારા વિહુ-ઈશુ નું શું થાત? મારે હવે જોબ નથી કરવી .”નેહા હજુ અકસ્માતના ટ્રોમામાંથી બહાર જ નહોતી આવી.હીનાબેન તેના માથે હાથ ફેરવતા કીધું”બેટા હું આવી ગઈ છું ,તારે હવે કોઈ ચિંતા કરવાની જરુર નથી.તને જલદી સારું થઈ જશે.તારે જોબ છોડવાની પણ જરુર નથી .આપણી મદદ માટે મેં આનંદીબહેનની પણ ટિકિટ કરાવી છે તે હમણાં આપણા ઘેર જ રહેશે ,તે અમેરિકન સીટીઝન છે તે ધરમાં રસોઈને બધા કામમાં મને મદદ કરશે ,ને તું શાંતિથી તારી જોબ કરજે.હું ને તારા ડેડ છીએ તારે બાળકોની ચિંતા કરવાની કંઈ જરુર નથી.તારી આટલી સરસ બનેલી કેરીયર ને આમ લાગણીના આવેશમાં આવીને છોડી દેવાય ?જોબ છોડીને થોડા દિવસમાં જ તું બોર થઈ જઈશ , ને બાળકો પાંચ વર્ષ પછી મોટા થઈ તેમનામાં વ્યસ્ત થઈ જશે ત્યારે તારી કેરીયર નું શું ?આ IT ઈન્ડસ્ટ્રી જેટ વેગે આગળ વધી રહી છે એમાં તું ઘેર રહી ને કેટલી પાછળ રહી જઈશ તેનો વિચાર કર્યો છે? વિપરીત સંજોગોમાં મગજ ને શાંત રાખતા તો શીખવું જ જોઈએ.દરેક પરિસ્થિતિમાં ધીરજ થી વર્તી અડગ મનોબળ થી આગળ વધે તેજ અમેરિકામાં સર્વાઈવ થઈ શકે.જરા શાંતિથી વિચાર કર .ચાલ બેટા ,તારું મોં જોઈ લીધું એટલે મને શાંતિ થઈ ગઈ .હું હવે મારા ભૂલકાઓ પાસે જાઉં ને નિરવ ને તારી પાસે મોકલું તું આરામ કર “.કહી ફરી નેહાને માથે હાથ ફેરવી હીનાબેન ઘેર જવા નીકળ્યા. હીનાબેન ની વાત સાંભળી નેહા ફરીથી વિચારોના વંટોળે ચડી.તેને કંઈ સમજાતું નહોતુ. અકસ્માત માં તે ને તેના દીકરાઓ બચી ગયા પછી તો તેને મનથી નક્કી કરી જ નાંખ્યું હતું કે તે સો ટકા જોબ છોડી જ દેશે ને તેના બાળકો ને ઘેર રહી ઉછેરશે.જ્યારે તેના બાળકો થોડા મોટા થશે પછી જ ફરી જોબ કરશે પરંતુ દૂરંદેશી, પ્રેમાળ ને હોશિયાર સાસુમાં ની વાત સાંભળી તેને થયું મમ્મી ની વાત પણ સો ટકા સાચી છે! જીગીષા પટેલ Share this:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s